સુસ્વાગતમ


ઓ પ્રિયતમ ! તેઓ પધારી રહ્યાં છે...
ઓ પ્રિય ! આ શબ્દમંદીરમાં તમારું સ્વાગત છે. તમારીજ માટે મારાં પ્રિયતમે આ શબ્દાલય સજાવ્યું છે. તમે અહિં પધાર્યા છો તેમાંજ તમારી શ્રેષ્ઠતા દેખાય છે. તમારો ભાવવિભોર ચહેરો, એક એક શબ્દશિલ્પને બારીકાઈથી નિહાળતી કુતૂહલ ભરી નજરો અને આ સુંદર રચનાઓમાં ગુંજતો શબ્દારવ તમને પુલકિત કરી રહ્યો છે. વાક્યોનાં ઉબરે મસ્તક નમાવી તમે ખોબામાં રહેલાં સુંદર શબ્દપુષ્પો ધરાવો છો. ચરણામૃત અને પ્રસાદ ગ્રહણ કરીને તમે આત્મદિપકનાં અજવાળામાં મારાં પ્રિયતમનાં દર્શન કરવા ઈચ્છો છો...
સાચું જ કહું છું ઓ પ્રિય ! મારાં પ્રિયતમે આ શબ્દમંદિર તમારી જ માટે બંધાવ્યું છે... તેને ખબર છે કે તમે એકવાર જરૂર અહીં દર્શન કરવાં આવશો. અને આજે તમે આવી ગયાં છો.
ઓ પ્રિય ! આ તમારું જ શબ્દમંદિર છે. હું તો ખાલી પુજારી છું ! તમારીજ રાહ જોતો તમારાંજ પ્રિયતમને સાચવીને બેઠો છું. તમારીજ સાથે મેળવવા ! 
આવ્યાં જ છો તો એકવાર પ્રદક્ષિણા જરૂર કરજો. આ શબ્દતિર્થની એક એક રચના રૂપી મૂર્તિઓ તમારીજ રાહ જુએ છે !
જરા ધ્યાનથી જુઓ તો ખરા મારાં પ્રિયતમને ! તમારી સામે મરક મરક મલકતી મૂર્તિ એ ખરેખર મારાં જ પ્રિયતમનીજ છે ! ક્યાંક આ હસતો ચહેરો તમારોજ તો નથીને ? ઓ પ્રિય ! સાચું કહેજો હો ! ક્યાંક તમેજ મારાં પ્રિયતમ બનીને પધાર્યા નથીને !!!

આમ જ ન મહોરી ઊઠે આંબો મંજરીઓથી...

આમ જ ન મહોરી ઊઠે આંબો મંજરીઓથી;
નક્કી કોઈ ટહુકો પાંદડે પાંદડે ફર્યો હશે !

ઓ પ્રિયતમ ! કોયલનો ટહૂકો આંબાની મંજરીઓ માટે હોય છે...

ઓ પ્રિયતમ ! કોયલનો ટહૂકો આંબાની મંજરીઓ માટે હોય છે ; કેરીઓ માટે નહિ !

એતો કોયલની દેન છે...

એતો કોયલની દેન છે... નહિતર આંબાને ક્યાં ટહુકતા આવડતું હતું !

ઓ કેરી ! તું પાકી ગઈ કે ? તો ખરી પડ હવે…

ઓ કેરી ! તું પાકી ગઈ કે ? તો ખરી પડ હવે…
પાકી કેરીને ડાળ પર રાખવાની ફિતરત આંબાની નથી !

ચાલ, તને ગગનની ઊંચાઈ આપું...

ચાલ, તને ગગનની ઊંચાઈ આપું. કહિ ઈશ્વરે અમને પક્ષી બનાવ્યાં. આભની અટારીએથી અમે ધરતી પર આવ્યાં... અમે પક્ષી હતાં, વાદળ નહીં... અમને વરસી જતાં નહોતું આવડતું !

ને જો કદાચ તું મને ગગનની ઊંચાઈ બક્ષે...

ને જો કદાચ તું મને ગગનની ઊંચાઈ બક્ષે તો ઓ પ્રિયતમ !  તું મને પક્ષી બનાવજે, વાદળ નહિ !

એ તો વિહંગની હતી મજબૂરી...

એ તો વિહંગની હતી મજબૂરી...
પાંખોનેતો નભ આખાને માપવું હતું !
જગતનું કદ તો મારી ઊડાનથી વિસ્તરે છે !

તું તેમને તડકો બનીને દઝાડે છે...

તું તેમને તડકો બનીને દઝાડે છે જેથી જેથી તેઓ વૃક્ષ નીચે છાંયો બનીને ઉભેલા તારી એકદમ નજીક આવતા રહે !

વૃક્ષને કાપતા કઠિયારાને ક્યાં ખબર છે...

વૃક્ષને કાપતા કઠિયારાને ક્યાં ખબર છે કે વૃક્ષ છેદનની વેદનાથી નહિ; તેનાં પર બંધાયેલા માળાઓને કારણે રડી પડ્યું છે ! 

ઓહોહો ! કેટલો ભયાનક અગ્નિ...

"ઓહોહો ! કેટલો ભયાનક અગ્નિ ! કેટલો ભયંકર વિનાશ ! આખરે આનું કારણ શું ?" 
"એક તણખાને અવગણવું !" જ્વાળાઓએ જવાબ આપ્યો !

વનનાં દાવાનળને આટલો ભયંકર કોણે વિસ્તાર્યો...

વનનાં દાવાનળને આટલો ભયંકર કોણે વિસ્તાર્યો ?
મોટા મોટા વૃક્ષોએ ?
નાં...નાં...વૃક્ષોની નીચે ઊગેલા પેલા તુચ્છ તણખલાઓએ !
એક વૃક્ષની ડાળ પરનું પંખી પાંખો સંકોરી રહ્યું.
તેનો માળો તો તણખલાઓએ જ બનાવ્યો હતો !

તારે બચી જઈને શું કરવું છે ઓ તુચ્છ તણખલા...

"તારે બચી જઈને શું કરવું છે ઓ તુચ્છ તણખલા ?"
કહિ અગ્નિજ્વાળાઓ તેનાં સુધી આંબવા મથી રહી.
"અરે ! કોઈ પંખી તેનો માળો બનાવવાનું છે !"
કહિ પવન તણખલાને વધુ ઊચે ઊડાવી ગયો !

માળામાં ઈંડા હતા અને વનમાં દવ લાગ્યો...

માળામાં ઈંડા હતા અને વનમાં દવ લાગ્યો. થડ બળ્યું, પર્ણો બળ્યાં, થોડીઘણી શાખાઓ પણ બળી પરંતુ માળો ન જ બળ્યો ! ઈંડામાંથી બચ્ચાઓ થયા, પાંખો ફૂટી... અને એક દિવસ માળો છોડી ઉડી ગયા. પાછા કદી ન જ ફર્યા !

વડલાનાં એક નાનકડા બીજમાંથી...

વડલાનાં એક નાનકડા બીજમાંથી ઊગેલું વિશાળ વડવાઇઓ ધરાવતું વટવૃક્ષ તમે નિહાળો છો ત્યારે એક ક્ષુલ્લક બીજની કીંમત કદાચ તમને સમજાય છે. તમે કરેલા એક સાત્વિક વિચારની શું કોઈ જ કિંમત નહિ હોય? 

વૃક્ષોને ઝંઝાવાત સામે ધરતી જકડી રાખે છે...

વૃક્ષોને ઝંઝાવાત સામે ધરતી જકડી રાખે છે. વૃક્ષો જીવનભર ધરતીને છાયો આપે છે. આકાશને આંબવાની ઘેલછામાં વૃક્ષો ધરતીને છોડી દેતા નથી !

ખંડેરની પડું પડું થતી દિવાલ પર ઊગી નીકળેલા...

ખંડેરની પડું પડું થતી દિવાલ  પર ઊગી નીકળેલા પીપળા પર કોળેલું કુમળું  પાન માનો કહેતું હતું ;
 "ઈશ્વર તો સિર્ફ જીવન આપે જ છે... લેતો નથી !"

ઓ સૂર્ય ! મારામાં આમ વારંવાર જોઇને તું સ્મિત ન વેર...

ઓ સૂર્ય ! મારામાં આમ વારંવાર જોઇને તું  સ્મિત ન વેર , હમણાં પેલી ચકલી ઉડશે , આ ડાળી હલશે અને મારે ટપકી જવાનું છે !

સૂર્ય પોતાનાં સહસ્ત્ર કિરણો વડે...

સૂર્ય પોતાનાં સહસ્ત્ર  કિરણો વડે પેલાં તરણાંઓને જગાડે છે... ને હવામાં ઝુલતા ઓ કોમળ ફૂલ ! તારી માટે તો જો તે ઝાકળ બનીને ઝરી રહ્યો છે !

તું નહાઈ લીધું ઓ પર્ણ...

તું નહાઈ લીધું ઓ પર્ણ ! હવે મને સરી જઈને માટીમાં મળી જવા દે... તારી નીચે ઉગેલા પેલા તરણાઓને મારે પોષણ આપવાનું છે !

આકાશ તો જબરું ગોરંભાયું...

આકાશ તો જબરું ગોરંભાયું. થયું હમણા આ કાળાડીબાંગ વાદળો તૂટી પડશે ! બારે મેઘ ખાંગા થશે ! અચાનક ક્યાંકથી પવન ફૂટી નીકળ્યો. હજુતો એક બે બુંદ વરસી ન વરસી ને આકાશ ચોખ્ખું થઇ ગયું.
"ઓ વાદળોને તાણી જતા નિર્દયી પવન અમારા નિસાસા તો પાછા આપતો જા..." ખેડૂતે કહ્યું !

છટ્ટ ! આ ક્ષણભંગુર જીવન...

છટ્ટ ! આ ક્ષણભંગુર જીવન ! ખરતાં પર્ણને જોઈને ઊંડા નિસાસા સાથે હું બોલ્યો. પેલી ડાળ પર હમણાં જ કોળેલું પર્ણ મલકી ઊઠ્યું અને તેને જોઈ હું શરમાઈને નીચું જોઈ ગયો