ઓ પ્રિયતમ! પ્રેમ અને આનંદમાં ફેર છે.  પ્રેમમાં દ્વૈત હોય છે જ્યારે આનંદ અદ્વૈત છે. એમાંય તું તો પરમાનંદ સ્વરૂપ છો. અનેક હોવા છતાં બધાં મોરના જ પીંછા છે. પીંછા વગર નો મોર કેવો લાગે ? અને મોર જ ના હોય તો પીંછા શી રીતે સંભવે ?
જેમ ઓરડાને આકાશની અનંતતા સાથે ઐક્ય પામવું હોય તો દિવાલોના તૂટી જવાથી એ કંઈ ગુમાવતો નથી, ઊલટું કંઇક પ્રાપ્ત કરે છે. એમ તારા પ્રેમમાં પાગલ થનારા દિવ્ય અલૌકિક આનંદમાં મસ્ત બને છે. આનંદ પ્રેમની પરાકાષ્ઠાનું પરિણામ છે. આનંદની આ દિવ્ય હેલીને આ દુનિયાનાં લોકો પ્રેમનું પાગલપણું કહે છે !

તારું અદ્વૈતપણું

ઓ પ્રિયતમ સૌંદર્યની સુંદરતા ક્યાં નથી ? 
આ જે પ્રકાશ છે, પ્રકૃતિ છે, નદી છે, ઝરણાં છે, આકાશ છે, રાજહંસ છે, કલહંસ છે, હિમાલય છે, માનસરોવર છે... આ બધું તારું જ તો સૌંદર્ય છે !
એટલેજ કદાચ હું આ બધાં સાથે એકાત્મકતા અનુભવવું છું. તેં અમને આ ઇન્દ્રિયો અમથી નથી આપી નાથ ! કાન સાંભળવા માટે, આંખ જોવા માટે, જીભ ચાખવા માટે. તેં આ બધું અમથું નથી આપ્યું...
મને ખબર છે તને અનેકત્વમાં રસ છે. પણ એ અનેકત્વમાં પણ એકત્વ છે. કારણ કે બધું તારું જ સર્જન છે. જો એકત્વ જ ન હોય તો આત્મિક આનંદ કેવી રીતે સંભવે? દ્વૈતનો ભ્રમ ઊભો કરીને તું તારું અદ્વૈતપણું ક્યાં સુધી છુપાવી રાખીશ નાથ !

તારા મુગટનો શણગાર

ઓ પ્રિયતમ !
તારી અપ્રતિમ અને ગહન લીલા નિહાળી હું આશ્ચર્યચકિત થઈ જાઉં છું. તારું માધુર્ય અને પ્રચંડ ઐશ્વર્ય પણ મને પૂલકિત કરી નાખે છે. મંત્રમુગ્ધ બની તારું અગાધ જ્ઞાન અને તારું અખંડ સાનિધ્ય માણી રહું છું. મારાં અહંકારનો અહંકાર તારી સરળતા અને કરુણા સામે ટકી શકતો નથી અને હું વિનમ્ર અને આજ્ઞાંકિત બની જાઉં છું. પરંતુ થોડી જ વારમાં મારાં પુરાણા હઠીલા સંસ્કારો જાગ્રત થઇ મને અવિદ્યાની ઊંડી ખીણમાં પુનઃ હડસેલી દે છે, અને હું તારા મૃદુ સ્પર્શથી વંચિત બની જાઉં છું અને મારો અહંકાર ફરી એકવાર જાગી જાય છે.
ઓ પ્રિયતમ ! આ વારંવાર થતી અધોગતિ માંથી મને હવે ઉગારી લે!
તારી નિર્વિકારી અવસ્થામાં મને સ્થિર કરી દે ! ફરફરવા છતાં પતન ન પામતા મોરપીંછ ની જેમ મને તારા મુગટનો શણગાર બનાવી દે !
હે મોહન ! તેં જ આ મોહમાં જકડનારીને ધારણ કરી ! તારો જાદુ શુ ઓછો હતો કે સૂરસૌંદર્યાને મેદાનમાં ઉતારી !

નયનથી હૃદય સુધી

ઓ પ્રિયતમ! તારું સાનિધ્યમાં મને મસ્ત બનાવી દે છે. મારા અંતરમાં વિશુદ્ધ પ્રેમનો પ્રવાહ વહેતો કરી દે છે. સમસ્ત વિશ્વમાં તારી સુંદર પ્રેમભરી પ્રતિમા નીરખતો તારામાં લીન બની જાઉં છું. તને ક્યાં ખબર છે કે તારા નામ અને સ્મરણ માત્રથી જ હું તો ચકચૂર બની જાઉં છું.. નયનામૃતનું પાન તો બહુ મોટી વાત છે. બસ, અહર્નિશ તારાં ગુણગાન અને ધ્યાનમાં મારાં બધાં દુ:ખદર્દો ભૂલી જાવા દે...
મને તારામાં ડૂબી જવા દે. કહે છે કે પ્રણય હૃદયમાં તો સૌંદર્ય નયનમાં વસે છે... મને નયનથી હૃદયમાં ડૂબી જવા દેને.

તું કેટલો કુમાર છે !

એલા ! તું કેટલો કુમાર છે ! કેવી રીતે વિશ્વાસ આવે કે આકાશના અનંત તારલાઓ તારું જ સ્મિત છે! ત્યારે મને એક એવો વિચાર આવે કે તારી જ એક અખંડ ચેતનાના ગર્ભમાં આવાં અનંત બ્રહ્માંડો છે અને એનું સંચાલન તું જાતે કશી ભૂલ વગર નિયમિત કરી રહ્યો છે. તો શું મારાં જીવનનું નહીં કરતો હોય ? અમે ભોળા જો આટલું સમજી જઈએ અને તારા ચરણોમાં પોતાના જીવનને સમર્પિત કરી દઈએ તો અમને પૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય; અને પૂર્ણ દુઃખમુક્તિ થાય. વાદળી કાળી હોય છે. પણ એનીકિનારી પર રૂપેરી કોર પણ હોય છે ને! મરવા દે ને વાદળીની કાલીમાને.. એની અહીં કોને પડી છે ?

આંતરસૌંદર્ય

ઓ પ્રિયતમ! આ બહારનું સૌંદર્ય અનેકગણા આંતરસૌંદર્ય તરફ સંકેત કરી રહ્યું છે. ભોક્તા તરીકે પણ અંદર તું જ બેઠો છે. સૌંદર્ય પણ તું ખુદ જ છે. આ સઘળી તારી લીલા છે. જીવનનું આજ તો રહસ્ય છે. જેનો તાગ આવતો નથી. જેમ જેમ તાગ મેળવીએ છીએ તેમ તેમ રહસ્ય સઘન બનતું જાય છે. અને તેથી આનંદ આવતો જાય છે. એનો તાગ આવી જાય તો એ રહસ્ય થોડું કહેવાય.. કંઈ કેટલાય બહાર એનો તાગ મેળવવા મથે છે. તેઓ પણ એ રહસ્ય જેમ જેમ ઉકેલતા જાય છે, તેમ તેમ રહસ્ય સઘન બનતું જાય છે. પણ એ ભૌતિક જગતનું રહસ્ય છે. આ જીવનનું રહસ્ય છે. આ અંદરનું રહસ્ય છે અને સઘન છે. ઓ પ્રિયતમ! અહીં તારો આવિષ્કાર થાય છે, અહીં માધુર્ય છે, એક સંગીત છે, બહારનું સૌંદર્ય પણ તારું જ સર્જન છે. કોકિલનો ટહુકાર છે તે અંદરના અનેકગણા સૌંદર્ય તરફ સંકેત કરી રહ્યો છે. તે અંદરના સંગીત તરફ સંકેત કરે છે. અંદર એક વીણા છે. એક ઝંકૃતિ છે, એક માધુર્ય છે. એ પણ તારી જ લીલા છે. અમે એ ક્યારે સમજીશું?
એનો આસ્વાદ છે. આસ્વાદક, આસ્વાદ્ય અને આસ્વાદન એ ત્રણેય એક છે. આંતર-બાહ્ય આનંદ આનંદ જ છે. અમે જ એનું વિભાગીકરણ કરીએ છીએ. અમારામાં દ્વંદ્વો છે, એટલે અમને આ ગમતું નથી, આ ગમે છે, એવાં દ્વન્દ્વો છે,  અને એટલે જ સુખ-દુઃખ લાગે છે. ઓ પ્રિયતમ! તારો અનુગ્રહ હોય તો જ આ સમજાય.

સુસ્વાગતમ


ઓ પ્રિયતમ ! તેઓ પધારી રહ્યાં છે...
ઓ પ્રિય ! આ શબ્દમંદીરમાં તમારું સ્વાગત છે. તમારીજ માટે મારાં પ્રિયતમે આ શબ્દાલય સજાવ્યું છે. તમે અહિં પધાર્યા છો તેમાંજ તમારી શ્રેષ્ઠતા દેખાય છે. તમારો ભાવવિભોર ચહેરો, એક એક શબ્દશિલ્પને બારીકાઈથી નિહાળતી કુતૂહલ ભરી નજરો અને આ સુંદર રચનાઓમાં ગુંજતો શબ્દારવ તમને પુલકિત કરી રહ્યો છે. વાક્યોનાં ઉબરે મસ્તક નમાવી તમે ખોબામાં રહેલાં સુંદર શબ્દપુષ્પો ધરાવો છો. ચરણામૃત અને પ્રસાદ ગ્રહણ કરીને તમે આત્મદિપકનાં અજવાળામાં મારાં પ્રિયતમનાં દર્શન કરવા ઈચ્છો છો...
સાચું જ કહું છું ઓ પ્રિય ! મારાં પ્રિયતમે આ શબ્દમંદિર તમારી જ માટે બંધાવ્યું છે... તેને ખબર છે કે તમે એકવાર જરૂર અહીં દર્શન કરવાં આવશો. અને આજે તમે આવી ગયાં છો.
ઓ પ્રિય ! આ તમારું જ શબ્દમંદિર છે. હું તો ખાલી પુજારી છું ! તમારીજ રાહ જોતો તમારાંજ પ્રિયતમને સાચવીને બેઠો છું. તમારીજ સાથે મેળવવા ! 
આવ્યાં જ છો તો એકવાર પ્રદક્ષિણા જરૂર કરજો. આ શબ્દતિર્થની એક એક રચના રૂપી મૂર્તિઓ તમારીજ રાહ જુએ છે !
જરા ધ્યાનથી જુઓ તો ખરા મારાં પ્રિયતમને ! તમારી સામે મરક મરક મલકતી મૂર્તિ એ ખરેખર મારાં જ પ્રિયતમનીજ છે ! ક્યાંક આ હસતો ચહેરો તમારોજ તો નથીને ? ઓ પ્રિય ! સાચું કહેજો હો ! ક્યાંક તમેજ મારાં પ્રિયતમ બનીને પધાર્યા નથીને !!!

આમ જ ન મહોરી ઊઠે આંબો મંજરીઓથી...

આમ જ ન મહોરી ઊઠે આંબો મંજરીઓથી;
નક્કી કોઈ ટહુકો પાંદડે પાંદડે ફર્યો હશે !

ઓ પ્રિયતમ ! કોયલનો ટહૂકો આંબાની મંજરીઓ માટે હોય છે...

ઓ પ્રિયતમ ! કોયલનો ટહૂકો આંબાની મંજરીઓ માટે હોય છે ; કેરીઓ માટે નહિ !

એતો કોયલની દેન છે...

એતો કોયલની દેન છે... નહિતર આંબાને ક્યાં ટહુકતા આવડતું હતું !

ઓ કેરી ! તું પાકી ગઈ કે ? તો ખરી પડ હવે…

ઓ કેરી ! તું પાકી ગઈ કે ? તો ખરી પડ હવે…
પાકી કેરીને ડાળ પર રાખવાની ફિતરત આંબાની નથી !

ચાલ, તને ગગનની ઊંચાઈ આપું...

ચાલ, તને ગગનની ઊંચાઈ આપું. કહિ ઈશ્વરે અમને પક્ષી બનાવ્યાં. આભની અટારીએથી અમે ધરતી પર આવ્યાં... અમે પક્ષી હતાં, વાદળ નહીં... અમને વરસી જતાં નહોતું આવડતું !

ને જો કદાચ તું મને ગગનની ઊંચાઈ બક્ષે...

ને જો કદાચ તું મને ગગનની ઊંચાઈ બક્ષે તો ઓ પ્રિયતમ !  તું મને પક્ષી બનાવજે, વાદળ નહિ !

એ તો વિહંગની હતી મજબૂરી...

એ તો વિહંગની હતી મજબૂરી...
પાંખોનેતો નભ આખાને માપવું હતું !
જગતનું કદ તો મારી ઊડાનથી વિસ્તરે છે !

તું તેમને તડકો બનીને દઝાડે છે...

તું તેમને તડકો બનીને દઝાડે છે જેથી જેથી તેઓ વૃક્ષ નીચે છાંયો બનીને ઉભેલા તારી એકદમ નજીક આવતા રહે !

વૃક્ષને કાપતા કઠિયારાને ક્યાં ખબર છે...

વૃક્ષને કાપતા કઠિયારાને ક્યાં ખબર છે કે વૃક્ષ છેદનની વેદનાથી નહિ; તેનાં પર બંધાયેલા માળાઓને કારણે રડી પડ્યું છે ! 

ઓહોહો ! કેટલો ભયાનક અગ્નિ...

"ઓહોહો ! કેટલો ભયાનક અગ્નિ ! કેટલો ભયંકર વિનાશ ! આખરે આનું કારણ શું ?" 
"એક તણખાને અવગણવું !" જ્વાળાઓએ જવાબ આપ્યો !

વનનાં દાવાનળને આટલો ભયંકર કોણે વિસ્તાર્યો...

વનનાં દાવાનળને આટલો ભયંકર કોણે વિસ્તાર્યો ?
મોટા મોટા વૃક્ષોએ ?
નાં...નાં...વૃક્ષોની નીચે ઊગેલા પેલા તુચ્છ તણખલાઓએ !
એક વૃક્ષની ડાળ પરનું પંખી પાંખો સંકોરી રહ્યું.
તેનો માળો તો તણખલાઓએ જ બનાવ્યો હતો !

તારે બચી જઈને શું કરવું છે ઓ તુચ્છ તણખલા...

"તારે બચી જઈને શું કરવું છે ઓ તુચ્છ તણખલા ?"
કહિ અગ્નિજ્વાળાઓ તેનાં સુધી આંબવા મથી રહી.
"અરે ! કોઈ પંખી તેનો માળો બનાવવાનું છે !"
કહિ પવન તણખલાને વધુ ઊચે ઊડાવી ગયો !