ઓ પ્રિય ! આ શબ્દમંદીરમાં તમારું સ્વાગત છે.
તમારી જ માટે મારા પ્રિયતમે આ શબ્દાલયને પ્રેમથી શણગાર્યું છે. તમે અહિં પધાર્યા છો તેમાં જ તમારી શ્રેષ્ઠતા દેખાય છે. તમારો ભાવવિભોર ચહેરો, એક એક શબ્દ શિલ્પને બારીકાઈથી નિહાળતી કુતૂહલ ભરી નજરો અને આ સુંદર રચનાઓમાં ગુંજતો શબ્દારવ તમને પુલકિત કરી રહ્યો છે. વાક્યોનાં ઉબરે મસ્તક નમાવી, તમે ખોબામાં રહેલા સુંદર શબ્દપુષ્પો ધરાવો છો. ચરણામૃત અને પ્રસાદ ગ્રહણ કરીને તમે આત્મદિપકનાં અજવાળામાં મારા પ્રિયતમનાં દર્શન કરવા ઈચ્છો છો...
સાચું જ કહું છું, ઓ પ્રિય ! મારા પ્રિયતમે આ શબ્દમંદિર તમારી જ માટે બંધાવ્યું છે... તેને ખબર છે કે તમે એક વાર જરૂર અહીં દર્શન કરવા આવશો. અને આજે તમે આવી ગયા છો.
ઓ પ્રિય ! આ તમારું જ શબ્દમંદિર છે. હું તો ખાલી પુજારી છું ! તમારી જ રાહ જોતો, તમારા જ પ્રિયતમને સાચવીને બેઠો છું. તમારી જ સાથે મેળવવા !
આવ્યા જ છો તો એકવાર પ્રદક્ષિણા જરૂર કરજો. આ શબ્દતિર્થની એક એક રચના રૂપી મૂર્તિઓ તમારી જ રાહ જુએ છે !
જરા ધ્યાનથી જુઓ તો ખરા મારા પ્રિયતમને !
તમારી સામે મરકમરક મલકતી મૂર્તિ એ ખરેખર મારા પ્રિયતમની જ છે !
ક્યાંક આ હસતો ચહેરો તમારો જ તો નથીને ?
ઓ પ્રિય ! સાચુ કહેજો હો !
ક્યાંક તમે જ મારા પ્રિયતમ બનીને તો પધાર્યા નથીને !!!
No comments:
Post a Comment