ને મેં કલમ ઊઠાવી...

કોઈએ કેવટ બનીને તારા ચરણ પખાળ્યા. કોઈએ શબરી બનીને આખુ આયખું ખર્ચી નાખ્યું. કોઈ અહલ્યા બનીને તારા ચરણથી ધન્ય બન્યું. તો કોઈ તારું નામ લઈને આખો સમુદ્ર કૂદી ગયું અને હનુમાન રૂપે તારા હૃદયમાં વસ્યું. કોઈએ ભરત બનીને તારી પાદુકાઓ પૂજી, તો કોઈએ જટાયુ બનીને પાંખ કપાવી... 
ઓ પ્રિયતમ! હું તુચ્છ શું કરી શકું? 
"તું ખિસકોલી બનીને દરિયામાં કાંકરી નાંખ." 
ને મેં કલમ ઉઠાવી.

લેખની ને

હે મારી લેખની! તું પણ અક્ષરોથી રચાયેલા શબ્દનાદ સ્વરૂપે તુલસીનું એક પાંદડું મૂકીને મારા પ્રિયતમને તોલવા ચાલી? 
હે ભોળી! એ શબ્દ બ્રહ્મ છે... 
અ ક્ષર... તને કંઈ સમજાય છે?

સુસ્વાગતમ

ઓ પ્રિયતમ ! તેઓ પધારી રહ્યાં છે...
ઓ પ્રિય ! આ શબ્દમંદીરમાં તમારું સ્વાગત છે. 
તમારી જ માટે મારા પ્રિયતમે આ શબ્દાલયને પ્રેમથી શણગાર્યું છે. તમે અહિં પધાર્યા છો તેમાં જ તમારી શ્રેષ્ઠતા દેખાય છે. તમારો ભાવવિભોર ચહેરો, એક એક શબ્દ શિલ્પને બારીકાઈથી નિહાળતી કુતૂહલ ભરી નજરો અને આ સુંદર રચનાઓમાં ગુંજતો શબ્દારવ તમને પુલકિત કરી રહ્યો છે. વાક્યોનાં ઉબરે મસ્તક નમાવી, તમે ખોબામાં રહેલા સુંદર શબ્દપુષ્પો ધરાવો છો. ચરણામૃત અને પ્રસાદ ગ્રહણ કરીને તમે આત્મદિપકનાં અજવાળામાં મારા પ્રિયતમનાં દર્શન કરવા ઈચ્છો છો... 

સાચું જ કહું છું, ઓ પ્રિય ! મારા પ્રિયતમે આ શબ્દમંદિર તમારી જ માટે બંધાવ્યું છે... તેને ખબર છે કે તમે એક વાર જરૂર અહીં દર્શન કરવા આવશો. અને આજે તમે આવી ગયા છો.

ઓ પ્રિય ! આ તમારું જ શબ્દમંદિર છે. હું તો ખાલી પુજારી છું ! તમારી જ રાહ જોતો, તમારા જ પ્રિયતમને સાચવીને બેઠો છું. તમારી જ સાથે મેળવવા ! 

આવ્યા જ છો તો એકવાર પ્રદક્ષિણા જરૂર કરજો. આ શબ્દતિર્થની એક એક રચના રૂપી મૂર્તિઓ તમારી જ રાહ જુએ છે !

જરા ધ્યાનથી જુઓ તો ખરા મારા પ્રિયતમને ! 

તમારી સામે મરકમરક મલકતી મૂર્તિ એ ખરેખર મારા પ્રિયતમની જ છે ! 

ક્યાંક આ હસતો ચહેરો તમારો જ તો નથીને ? 

ઓ પ્રિય ! સાચુ કહેજો હો ! 

ક્યાંક તમે જ મારા પ્રિયતમ બનીને તો પધાર્યા નથીને !!!

તમે કોણ છો ?

વહેલી પરોઢે તમારા ગાલ પર ટપલી મારીને જગાડતા સમિરને કે પછી હળવેકથી ઢંઢોળતા ઉષા કિરણને તમે કદી પૂછો છો ખરા કે તમે કોણ છો? જેને ખોળે માથુ ઢાળીને રોજ તમે પોઢી જાઓ છો એ અજ્ઞાતને તમે કદી પૂછો છો ખરા કે તમે કોણ છો? કૂંડામાં હમણાંજ પાંગરેલા છોડનાં એ નાનકડા પુષ્પને તમે કદી પૂછો છો ખરા કે તમે કોણ છો? એ તો ઠીક પણ મધુર દાંપત્યનાં માધુર્ય સમાં એ નાનકડા બાલુડાને ચૂમતા પહેલાં તમે કદી પૂછો છો ખરા કે તમે કોણ છો? તમે ક્યાં ઓળખો છો મારા પ્રિયતમને? હું વિચારોનાં સથવારે લેખનીની હોડીમાં શબ્દોના હલેસાં મારતો તમને જ તો તેડવા અવ્યો છું… કે એક વાર તેને જઇને પૂછીએ તો ખરા કે તમે કોણ છો? ને તમે મને જ પુછો છો કે તમે કોણ છો ? સાવ સાચું કહેજો હો તમે કદી એકાંતમાં તમને પોતાને પૂછો છો ખરા કે તમે કોણ છો ?

હું કોણ છું ?



તમે પુછો છો કે હું કોણ છું ? પથ્થર શું જાણે કે તે કોણ છે ? એ તો 
શિલ્પીને જ ખબર... 
અમે તો પુજાઈએ ત્યારે જાણીએ કે અમે કોણ છીએ ! અમને આમ કંડારનારા ઓ શિલ્પી ! ચાલ હવે ટાંકણું ચલાવ.. મારે મારી પહેચાન મેળવવી છે ! અને જરા ધ્યાન રાખજે હો... હું બરડ પથ્થર છું !

પ્રતિભાવ...

 


તમે મને પ્રેમ કરો છો. તમને આવું લખાણ પણ કદાચ ગમે છે. કારણકે "પ્રેમ કરવો" એ તમારો સ્વભાવ છે. અને તેથી જ જ્યારે "પ્રતિભાવ" આપવાનો થાય છે ત્યારે તમે પ્રસંષા કરો છો. જે નથી ગમતું ત્યાં મૌન રહો છો. અને બીલકુલ નથી ગમતું તેને અવગણીને આગળ વધી જાઓ છો.. 
તમારો પ્રતિભાવ તમારી લાગણીઓનો સાચો પડઘો ક્યાં છે ?
તમારો નૂતન દ્રષ્ટિકોણ મને નવી દ્રષ્ટિ ન આપી શકે ? આપણે બન્ને સાથે મળીને કંઇક નવું ન સર્જી શકીએ ?

હું જીવનના સંગીતને...


હું
 જીવનના સંગીતને શબ્દોથી સજાવું છું. નિઃશબ્દનું વર્ણન શબ્દોથી તો શું કરું ? કિંતુ તેની બંસરીના નાદના માધુર્યને શબ્દો થકી ભરપુર માણું છું... 
આ શબ્દનાદ બીજું કંઈ નહીં તેમનો જ પ્રસાદ છે ઓ પ્રિય ! મારા આ પ્રિયતમના પ્રસાદને વહેચવાનું હવે તમને જ સોપું છું.

જીવનતૃષા

એલા! તને ખબર પડી ગઈ કે હું તરસ્યો છું? 
પરંતુ શેની તરસ હતી તે ના કળાયું? 
જા... હું તૃપ્ત થઈ ગયો.
 

ઓહો ! તને એમ કે તું સદગુરુ...

ઓહો ! તને એમ કે તું સદગુરુ બની જઈશ એટલે અમે તને નહીં ઓળખીયે એમ ? 
એલા ! રુપ બદલવાથી કંઈ ગુણ થોડા બદલાઈ જાય છે ? 
અમે તને ન ઓળખી જઈએ નાથ ! તારું ચૈતન્ય અમારાથી ક્યાં અજાણ્યું છે ?

મારાં જીવંત સદગુરુ પરમાત્મા નથી જ...


મારા જીવંત સદગુરુ પરમાત્મા નથી જ
તેવા સંપૂર્ણ ભાન સાથે મેં તેમને પરમાત્મા માની લીધા. ને આમ કરીને ઓ પ્રિયતમ ! મેં તને મારી નજીક લઈ લીધો. બીજાઓ ભલેને પોતાની રીતે મથે ?

પુષ્પનાં સૌંદર્યમાં એક પાંદડીનો ફાળો કેટલો...


પુષ્પનાં સૌંદર્યમાં એક પાંદડીનો ફાળો કેટલો ? નગણ્ય. અને છતાં અવગણિ ન શકાય તેટલો. તેમ તું છોને વિશ્વ પ્રેમી રહ્યો અને જગત આખું છો ને ઘેલું હોય તારાં પ્રેમમાં ! મને જો અવગણિશ તો તું અધુરો જ રહી જઈશ હો પ્રિયતમ !

એ તો સ્ત્રી શક્તિની આરાધનાં જ હતી...


એ તો સ્ત્રીશક્તિની આરાધનાં જ હતી હો કે શ્યામ રાધા પાછળ ઘેલો થઈને ફરતો હતો ! નહિતર રાધેશ્યામ રાધેશ્યામ કહીને કોણ ભજવાનું હતું ?

ભવિષ્ય શું હશે તે તો મારી બલા જાણે...


ભવિષ્ય શું હશે તે તો મારી બલા જાણે. ને ભૂતકાળ તો હતો તોય શું ને નહોતો તોય શું ? અત્યારે તો આજ ક્ષણે આ ક્ષણો સરી રહી છે. ચાલ જીવ ! આ કલમ વડે તેને કેદ કરી લઈએ...પછી ભલેને કોઈ તમારાં જેવાં આવી તેને છોડાવી જાય !

તેમને જોયા ત્યારે નજર ઠરી...


તેમને જોયા ત્યારે નજર ઠરી. તેમનાં આવવાનો ઢંઢેરો તો ક્યારનો પિટાયો હતો ! આટલી ભીડમાં તેઓ ક્યાંથી મળે અમને ! તેમને સપનાંની ટેવ ક્યાં નથી ? કોઈ કહે કેવો સરસ શણગાર છે ? કોઈ કહે કેવું મોહક સ્મિત ! શું અમથાં જ ટોળે વળ્યાં હશે લોક ! તેમણે વાંસળી તો વગાડી નહોતી ! 
જા તારી દીવાનગીને માફ કરી દીધી...તેની મોહિની આ બધાને ક્યાં નથી ?

તેમણે અંજલિમાનાં કેટલાક પુષ્પો ધરાવ્યાં..


ઓ પ્રિયતમ ! તેમણે અંજલિમાનાં કેટલાક પુષ્પો ધરાવ્યાં ને કેટલાંક બાકિ રાખ્યાં ! એ અર્પણ હતું. જ્યારે મેં તો અંજલિમાં એક પણ પુષ્પ બાકિ નથી રાખ્યું હો નાથ ! આજ તો સમર્પણ છે. જ્યારે સંપૂર્ણ જીવન તને સમર્પિત છે ત્યારે શુભ અને લાભ બંને તારાં જ છે ! આજ તો છે જીવનનું સ્વસ્તિક...પેલું અશુભ નામનું કરમાયેલું પુષ્પો છો ને મારી પાસે રહે !

તારી પ્રાપ્તિની શરત જોડાયેલી છે..


તારી પ્રાપ્તિની શરત જોડાયેલી છે મારા પ્રેમ સાથે ઓ પ્રિયતમ ! ને કહે છે પ્રેમ શરતોથી કદિ કરી નથી શકાતો ! તારાને મારા પ્રેમમાં એ જ તો તફાવત છે પ્રિયતમ ! તું અકારણ જ મને પ્રેમ કરે છે. ને મારા તો પ્રેમનું  કારણ પણ તું જ છે  !

મને તો બધું જ મંજૂર છે...


મને તો બધું જ મંજૂર છે...

મોક્ષ પણ ને પુનર્જન્મ પણ ! 
શરત એટલી કે પરિણામે "તું" પ્રાપ્ત થાય ! 

આ કેવી વિડંબણા છે ઓ પ્રિયતમ !


આ કેવી વિડંબણા છે  પ્રિયતમ ! 

અમે ભોળાં તને નિહાળવા મથીયે છિયે... 
અને તું અનુભવવાની બાબત છે ! 

મુહોબ્બતની કેવી અનોખી આ રીત છે...


રે
! મુહોબ્બતની કેવી અનોખી આ રીત છે ?
જેણે આપ્યું દર્દ, દર્દીને દવા તે જ આપે છે ! 

તારું અનુપમ સૌંદર્ય જ...


તારું અનુપમ સૌંદર્ય જ અમને તારા પ્રત્યે આકર્ષવા પુરતું છે ઓ નાથ ! 
અમારે દુઃખના બહાનાઓની જરુર નથી !

લાગે ઠોકરને તુજ યાદ આવી જાય...


લાગે ઠોકરને તુજ યાદ આવી જાય ઓ પ્રિયતમ !
માર્ગનાં પથ્થરો મંજૂર છે મને
 
!

લે ! આ ફરી ઘાયલ થયા અમે...


લે ! આ ફરી ઘાયલ થયા અમે અમારી જાતે;

ચાલ હવે ફરી વહાલથી મલમપટ્ટી લગાવ ! 

તું તો હતો જ કરુણાનો સાગર...


ઓ પ્રિયતમ ! તું તો હતો જ કરુણાનો સાગર ! આ તો ઠોકર મને વાગી ને રક્તરંજીત ચરણ તારા થયા ત્યારે છેક સમજાયું ! 

મારો પ્રેમ પ્રગાઢ કેટલો...


ઓ પ્રિયતમ ! મારો પ્રેમ પ્રગાઢ કેટલો ?
તને કદિ સમજાય નહિ તેટલો.

મારે કોઈને કશી સાબિતી...


મારે કોઈને કશી સાબિતી નથી આપવી. મને ખબર છે કે તું મારો છે આટલું જ મારે માટે તો બસ છે.

મને તારું મૌન ગમે છે...


મને તારુ મૌન ગમે છે. મને તારુ સ્મિત ગમે છે. આ કણકણમાં વ્યાપ્ત અગમ્ય એવું તારુ દિવ્ય સ્વરૂપ ગમે છે. ઓ પ્રિયતમ ! મને તારા બધા જ સ્વરૂપ ગમે છે.

તું ક્યાં છો...


"ઓ પ્રિયતમ ! તું ક્યાં છો ?"
"સર્વત્ર."
"સર્વત્ર અર્થાત મારાંમાં પણ નહીં ?"
"હં..."
"અરેરે ! આટલી નાનકડી વાત મને છેક હવે સમજાણી !"

હું યોગી નથી કે તારી અનુભૂતિ કરું...


હું યોગી નથી કે તારી અનુભૂતિ કરું. હું કવિ પણ નથી કે તારા પર કાવ્ય રચું. અરે ! હું ભક્ત પણ નથી કે તારી ભક્તિ કરું. ઓ પ્રિયતમ ! મારી સાદાઈ
ને અવગણજે હોંકે !

તું જુદો ને હું જુદો એ તો...


ઓ પ્રિયતમ ! તું જુદો ને હું જુદો એ તો અનાદિકાળથી હતું જ ! ત્યારે અમે પ્રગતિ ક્યાં કરિ ? અમારો આ દ્વૈતભાવ ક્યારે જશે ? એકવાર હિંમતથી કહિયે તો ખરાં કે તું નહીં હું જ તથા હું એ તું જ !

તારી ને મારી વચ્ચે અંતર...


તારી ને મારી વચ્ચે અંતર કેટલું ?
મારાં અસ્તિત્વનાં ભાન જેટલું.
એલા ! એ કેવી રીતે જાય ?

કોને શોધું ઓ પ્રિયતમ !


કોને શોધું ઓ પ્રિયતમ ! બે તત્વ હોય તો શોધુંને ! કેવળ એક જ તત્વ હોય તો કોણ કોને શોધે ? 
શું કહ્યું ? મારું અસ્તિત્વ ? 
ઓ પ્રિયતમ ! આ પરપોટાને તું "તું" કહે છે ?

તું અમારી અંદર ઢબુરાઈ ને બેઠો છે...


ઓ પ્રિયતમ ! તું અમારી અંદર ઢબુરાઈને બેઠો છે ને કેટલાં બધાં આવરણોની નીચે ? એલાં ! તારાથી આ સહન કેવી રીતે થાય છે ?

મારું સમગ્ર અસ્તિત્વ જ જ્યારે તારામાં...


ઓ પ્રિયતમ ! મારું સમગ્ર અસ્તિત્વ જ જ્યારે તારામાં લીન બન્યું છે નાથ ! ત્યારે તું જ કહે તેને ક્યાં શોધું ? 
" ચરણોમાં." અંદરથી જવાબ મળ્યો.

પ્રેમની પરાકાષ્ટા કઇ...


પ્રેમની પરાકાષ્ટા કઇ ?
જ્યારે "હું" "તું" મા વિલિન થઇ જાય તે. પ્રેમ બીજું કંઇ જ નથી, "હું" થી "તું" સુધીની યાત્રા છે.

તને કેટલો પ્રેમ કરું છું...


તને કેટલો પ્રેમ કરું છું એમ ?
હાડમાં હાડ, ચામમાં ચામ, રક્તમાં રક્ત તો આત્મામાં આત્મા... 
વધુ તો શું કહું ?

મેં પાણી માંગ્યુ ને તેં અમૃત હાજર કર્યું...


ઓ પ્રિયતમ ! મેં  પાણી માંગ્યુ ને તેં અમૃત હાજર કર્યું ! જેનાં એક બુંદને માણવા આખ્ખિ જીંદગી ટૂંકી પડે ! સવાલ અમરત્વનો નથી...
પણ શું તેનાથી તરસ છીપે ?

હું ક્યાં મારો ભૂતકાળ પાછો માંગું છું...


અરે ! હું ક્યાં મારો ભૂતકાળ પાછો માંગું છું. કે ક્યાં માંગુ છું ભવ્ય ભવિષ્યકાળનું તારું વચન !
ઓ પ્રિયતમ ! મારે તો માત્ર એ ક્ષણ પાછી જોઇએ છે...
જે ફક્ત મારી જ હતી !

ક્યારેક કોઇક પળ એવી જાય...


ઓ પ્રિયતમ ! ક્યારેક કોઇક પળ એવી જાય જે સિર્ફ તારી માટે જ હોય...
મારી માટેની બિલ્કુલ નહિં.

નામ તારું સાંભળુ ને લાગી જાય સમાધિ...


નામ તારું સાંભળુ ને લાગી જાય સમાધિ ! તારા નામ સાથે એવી મને યારી મળે ! પળભરમાં જ છો ને વીતી જાય જીંદગાની ! તુજ સાનિધ્ય જો ક્ષણમાત્ર જ મળે !

તારું સાનિધ્ય ને એક ઊંડો શ્વાંસ...


ઓ પ્રિયતમ ! તારું સાનિધ્ય... 
ને એક ઊંડો શ્વાંસ...
હવે ભલેને આયખુ પુરું થાય !