ઓ પ્રિયતમ ! આ બહારનું સૌંદર્ય અનેકગણા આંતરસૌંદર્ય તરફ સંકેત કરી રહ્યું છે. ભોક્તા તરીકે પણ અંદર તું જ બેઠો છે. સૌંદર્ય પણ તું ખુદ જ છે. આ સઘળી તારી લીલા છે. જીવનનું આજ તો રહસ્ય છે. જેનો તાગ આવતો નથી. જેમ જેમ તાગ મેળવીએ છીએ તેમ તેમ રહસ્ય સઘન બનતું જાય છે. અને તેથી આનંદ આવતો જાય છે. એનો તાગ આવી જાય તો એ રહસ્ય થોડું કહેવાય.. કંઈ કેટલાય બહાર એનો તાગ મેળવવા મથે છે. તેઓ પણ એ રહસ્ય જેમ જેમ ઉકેલતા જાય છે, તેમ તેમ રહસ્ય સઘન બનતું જાય છે. પણ એ ભૌતિક જગતનું રહસ્ય છે. આ જીવનનું રહસ્ય છે. આ અંદરનું રહસ્ય છે અને સઘન છે. ઓ પ્રિયતમ! અહીં તારો આવિષ્કાર થાય છે, અહીં માધુર્ય છે, એક સંગીત છે, બહારનું સૌંદર્ય પણ તારું જ સર્જન છે. કોકિલનો ટહુકાર છે તે અંદરના અનેકગણા સૌંદર્ય તરફ સંકેત કરી રહ્યો છે. તે અંદરના સંગીત તરફ સંકેત કરે છે. અંદર એક વીણા છે. એક ઝંકૃતિ છે, એક માધુર્ય છે. એ પણ તારી જ લીલા છે. અમે એ ક્યારે સમજીશું?
એનો આસ્વાદ છે. આસ્વાદક, આસ્વાદ્ય અને આસ્વાદન એ ત્રણેય એક છે. આંતર-બાહ્ય આનંદ આનંદ જ છે. અમે જ એનું વિભાગીકરણ કરીએ છીએ. અમારામાં દ્વંદ્વો છે, એટલે અમને આ ગમતું નથી, આ ગમે છે, એવાં દ્વન્દ્વો છે, અને એટલે જ સુખ-દુઃખ લાગે છે. ઓ પ્રિયતમ! તારો અનુગ્રહ હોય તો જ આ સમજાય.
No comments:
Post a Comment