ઓ પ્રિયતમ ! તે કાળી ડિબાંગ ગાઢ રાત્રિએ તું રંગો અને પીંછી લઇને કંઇક ચીતરવા બેઠો હતો. હું તો બસ બાઘા જેવો ઊભો હતો તારી પાસે ! હસી પડીને મને પણ રંગો ને પીંછી પકડાવી કંઇક રમૂજમાં તું બોલેલો... " લે ચીતરવા માંડ જે ચીતરવું હોય તે..." હું અબુધ રંગો અને રંગોની દુનિયાને શું જાણું ? જ્યારે તું તો તારા સર્જનમાં જ મગ્ન હતો !
તે પહાડો ચીતર્યા, વૃક્ષો ચીતર્યા, ખડખડ હસતું ઝરણું ચીતર્યું, ભૂરું ડિબાંગ આકાશ ચીતર્યું. કેસરી ટીપું ભૂલમાં પડી ગયું તો તેનો તેં સૂરજ બનાવી દીધો ! હું તો તારી કલાકારી જોવામાં જ મગ્ન હતો !
અચાનક તારું ધ્યાન ગયું અને મને હડસેલતા તું બોલ્યો, "ચીતર, ચીતર ! આ રંગો ને પીંછી આપ્યા તો છે !" "હેં" કહેતોકને હું જાગ્યો ને શું ચીતરું, ક્યાં ચીતરુંની મથામણમાં મૂંઝાઈ રહ્યો !
તારી તો યુગોની ઉપાસના હશે તો તું ઇચ્છે તે સર્જી રહ્યો હતો. મેં તો રંગ ને પીંછી પહેલી વાર જોયાં ! તારી પાસે તો આખી સૃષ્ટિ હતી સર્જવા. હું શું સર્જુ ?
તેં તો સુંદર ફૂલોમાં રંગો ભર્યા. ઊભાં ખેતરોમાં ઘાટો લીલો રંગ ભર્યો. વાદળોને રુપેરી દાઢી જેવા શ્વેત રંગથી રંગ્યા અને તેમાં સુંદર મજાનું મેઘધનૂષ તરતું મૂક્યું...
હું ક્યો રંગ પૂરું ? મારી પાસે ક્યાં તારા જેવી ઉપાસના ? તું તો અવિનાશી ને અનંત છે. તારી શાશ્વત આરાધના વડે તું તો બની ગયો કલાકાર ! પણ મારી તો જીવન યાત્રા એક બિંદુથી શરુ કરી બીજા બિંદુએ જ પૂરી થઈ ગઈ.જ્યારે જીવનની શાશ્વતતા જ નહતી ત્યારે તારા જેવી ઉપાસના ક્યાંથી લાવું ? કે સૃષ્ટિમાં રંગો ભરી શકું ?
નાથ ! પહેલીવાર મને તારી ઈર્ષા આવેલી હો !
તું તો મશગૂલ હતો તારી સૃષ્ટિમાં રંગો પૂરવામાં ને મારી તો સૃષ્ટિ જ તારામાં સમાઈ જતી હતી ! રંગોની દુનિયા હું શું જાણું ! મેં તો તારા મૂખડાની લાલિમા સિવાય ક્યાં કદિ કોઈ બીજો રંગ જોયો જ છે !
મને મૂંજાયેલો જોઇતું ફરી હસી પડ્યો. અને જીવનના આરંભથી અંત સુધીની ક્ષણોને બતાવીને બોલ્યો, " અરે ! તારી પાસે આ છે ને તારું જીવન ! એમાં પૂરને તારે જે રંગો પૂરવા હોય તે !"
અને હું મારા જીવન પ્રત્યે જોઈ રહ્યો. તેમાં ક્યો રંગ પૂરું ? હું ફરી મુંજાયો.
પછી કાળા રંગની ડબ્બી માંથી કાળો રંગ લઈ તે સૂરજ વિહોણી કાજળ ઘેરી પ્રારંભની રાત્રિ સમાન કાળા રંગને લપેટવા માંડ્યો.

કાળામાં કાળુ ક્યાંથી દેખાય ? તને તો એમ કે મેં રંગ જ નથી પૂર્યો જીવનમાં...પરંતુ હું જાણતો હતો કે તેં આપેલા જીવનના ટુકડાને મેં તારા જ શ્યામ રંગે રંગી નાખ્યો હતો !
મને રંગોની શું ખબર પડે નાથ ! મારે તો તારા જ રંગો થી રંગાઇ જવું છે ! ડૂબી જવું છે તારામાં ! તું તારે પૂરજે ને તારે જે રંગો પૂરવા હોય તે !
મને રંગોની શું ખબર પડે નાથ ! મારે તો તારા જ રંગો થી રંગાઇ જવું છે ! ડૂબી જવું છે તારામાં ! તું તારે પૂરજે ને તારે જે રંગો પૂરવા હોય તે !
મારે તો તારી શાશ્વતતામાં મારી ક્ષણભંગૂરતાને ઓગાળી નાખવી છે. બસ સમાઈ જવું છે તારામાં !
અને મારી જીવનક્ષણોને તારા જ રંગે રંગી નાખી હું ય કલાકાર બની ગયો !
No comments:
Post a Comment