આજે ઝુંપડીમાં તું આવતો નહિ નાથ !

ઓ પ્રિયતમ ! આજે ઝુંપડીમાં તું આવતો નહિ નાથ ! મધરાત થવા છતાં આ ધોધમાર વરસાદ થોભવાનું નામ લઇ રહ્યો નથી. વિજળીના ભિષણ ચમકારાઓથી કાળજું કંપી જાય છે. પવનનાં ભયંકર સુસવાટાઓથી મારી ઝુંપડીની બારી વારંવાર ખુલી જાય છે. છતમાંથી ટપકતા પાણીથી તેમજ બારણાંમાથી ધસી આવતી વાછટની ભીનાશને એકલો આ દીપક તો દૂર શી રીતે કરવાનો છે ? આ ભેજવાળી પથારીમાં હું તને ક્યાં સુવાડીશ ? ને છતાં જો તું પલળીને આવીશ ને ક્યાંક તને શરદી લાગી જશે તો હું દુનિયાને શું જવાબ આપીશ ? કે અનંત કોટી બ્રમ્હાંડના નાયકને તુ એક રાત પણ સાચવી શક્યો નહિ ? આજ ની રાત તું ન જ આવીશ હો બાપુ !
છતાં તું ન જ માન્યો...ચંદનની સુવાસ નહિ તો ભીની માટીની સુગંધ બનીને આવ્યો. વાદળોની ગડગડાટી નહિ તો વીજળીનો ચમકારો બની ને આવ્યો. ધસમસતી ધારા નહિ તો ઝીણી વાછટ બનીને આવ્યો. છત માથી ટપકતું ટીપું નહિ તો આંખમાં અશ્રુ બનીને આવ્યો.
ઓ જગતના લોકો હવે તમે જ કહો, હું તેને ક્યાં ક્યાં રોકું ?

No comments:

Post a Comment