તું અંદર આવી જા..


દરવાજો ખુલ્લો જ છે ઓ પ્રિયતમ !
તું અંદર આવી જા..
પણ જરા થોભજે.. સદભાગ્યના દ્વાર ઉઘાડી તું અંદર આવે એ પહેલા બારસાખ નજીક રાખેલાં પગલુછણીયે મારી દરિદ્રતા ખંખેરતો આવજે..
મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે.. ત્યાં મારા દુષ્કર્મોની પોટલી ટિંગાડી આવજે..
જોતો મેં પ્રાયશ્ચિતનો દીવડો તુલસીનાં ક્યારે ક્યારનોય પ્રગટાવ્યો છે...
મને ક્ષમા કરી દીધાનો ભાવ પારિજાતના પુષ્પોની સુગંધ સાથે થોડો તારાં શ્વાસમાં ભરીને લાવજે.
હવે આવ્યો જ છે તો તારી નારાજગીને પણ તારી ચમચમાતી મોજડીની સાથે બહાર જ ઉતારીને આવજે..
ખબર છે મને કે તેં તારું નટખટપણું હજુ પણ થોડું સાચવી રાખ્યું છે.
પેલાં ગુલાબનાં છોડ પર ખીલેલું ગુલાબ અમથું લુચ્ચું હસે છે !
જગત આખાના ભારનો થાક તો તને પણ વરતાતો હશે નહીં !
ભૂલી જા ને થોડીવાર ભગવાનપણું..
બસ મારો પ્રિયતમ બનીને અંદર આવ.
જોને તારાં માટે સૂરજે સોનેરી
સાંજ બિછાવી દીધી છે અને
આકાશે લાલીમા છાંટી છે..
પ્રેમ ને વિશ્વાસનો થોડો કસુંબો ઘોળ્યો છે.. તેને ઘુંટડે-ઘુંટડે માણજે..
એલા સાંભળને..​ હું મારી વેદનાઓ ભૂલી જઉં.. તું વૈદ બનવાનું છોડી દે.. હું યાચક મટી જઉં.. તું દાતા મટી જાય.

No comments:

Post a Comment