ઓ પ્રિયતમ ! તેઓ કહે છે કે તું તેમને ક્યાંય દેખાતો નથી ! વહેલી પરોઢે તાજા ખીલેલા ને ઝાકળમાં નહાયેલા ગુલાબનાં પુષ્પો ને ચૂંટવા તેઓ જાય છે. ત્યારે તાજા ખીલેલા ગુલાબના પુષ્પોની મહેકથી પ્રસન્ન એવા તેઓ પતંગિયાની ઉડાઉડને નિહાળે છે. માથામાં સિંદૂરથી શોભતી નવોઢા તેમને નિહાળી આમ જ નજરો ઢાળી જાય છે. ત્યારે તેનાં ફૂલગુલાબી મુખ પર પડેલા શરમના શેરડાઓનીં લાલિમા તેઓ નિહાળે છે.
અરે ! પારણે ઝૂલતા પેલા બાલુડાનાં સુકુમાર મુખને ચૂમવા તેઓ જ્યારે જાય છે ત્યારે હમણાં જ જાગેલું બાળક સહેજ આળસ મરડી તેમની જ સામે મોં મલકાવી ધીમો કિલકિલાટ કરે છે, તે સંગીત પણ તેમને સંભળાય છે. ખરેખર ગુલાબના પુષ્પોનો પમરાટ, નવોઢા નાં મુખનું લાવણ્ય તો નાનકડા બાલુડાનાં ગાલની સ્નિગ્ધતા તેઓ ખૂબ નજીકથી અનુભવે છે... ને છતાં તેઓ કહે છે કે તું તેમને ક્યાંય દેખાતો નથી !
No comments:
Post a Comment