વર્ષાની ઘનઘોર ભિષણ રાત્રીએ

વર્ષાની ઘનઘોર ભિષણ રાત્રીએ હું મારા દીપકને પ્રજ્વલિત કરવા ઈચ્છુ છું.પરંતુ આ વિકરાળ પવનને તેની ક્યાં પડી છે? વાદળોની ત્રાડોમાં વ્રજની જેમ ઝબુકતિ વીજળીથી મારું નાજુક હૈયુ ડરી જાય છે. જાણે આ અનંત રાત્રિ સમાપ્ત જ નહિ થાય કે શું? દીપક વિહોણી એ કાળરાત્રિએ હું ભયથી થરથરતો મારી ઝૂંપડીના ખૂણામાં તને યાદ કરતો મારી જાતને લપાવીને બેઠો છું.
અચાનક મારી ઝૂંપડીનું દ્વાર હડસેલી તું અંદર પ્રવેશે છે. અને તારા ઔલોકિક પ્રકાશથી મારી ઝૂંપડી ઝળહળિ ઊઠે છે. માનો સહસ્ત્ર સૂર્યોનું તેજ એક સામટું મારી નાનકડી ઝૂંપડીમાં ધસી આવ્યું ન હોય! હવે દીપકની જરૂર જ ક્યાં છે?
વહેલી પરોઢે સૂરજની પહેલી કિરણ સાથે તું વિદાય થાય છે.
તું જ કહે પ્રિયતમ! હું આ દુનિયાનાં લોકોને કેવી રીતે સમજાવું કે સહસ્ત્ર સૂર્યોનું તેજ ધરાવનારને તમારાં ક્ષુલ્લક દીપકની જરૂર ખરેખર નથી !

No comments:

Post a Comment