January 05, 2011

શબ્દોના સૂર છોડીને...

ઓ પ્રિયતમ ! શબ્દોના સૂર છોડીને હું આ અરણ્યની નિષ્ઠૂર રાત્રીએ શબ્દાવલીઓના ગીત લલકારું છું. 
મનેય ખબર છે આ તારલેમઢ્યા ગેબી આકાશમાંથી તારલાઓ મારી સામે આખો ટમટમાવવાથી વિશેષ કઈ જ નહિ કરે. 
શબ્દસુધાના અમૃતનું પાન કરવાની અહીં કોને પડી છે ? 
ને છતાંય અકારણ જ હું મારી જ મસ્તીમાં ઓ પ્રિયતમ ! ફક્ત તારી અને તારી જ ખાતર એક પછી એક ગીત લલકાર્યે જાઉં છું. 
કાળજા ચીરતી ઠંડીના સુસવાટાઓના પડઘમ છોને તાલ મીલાવે ! છો ને કાઢમીળ ચટ્ટાનો સાથે અથડાઈને વિખેરાઈ જતા મોજાની જેમ મારાં એક પછી એક ગીતો નિ:શબ્દ સાથે ટકરાઈને વેરવિખેર થઇ જાય ! તારા સુધી મારું સંગીત પહોચવું જ જોઈએ એવી શરતમાંય હું તને નથી બાંધતો નાથ.... 
કારણકે મારાં આ ગીતો, મારું આ સંગીત આખરેતો તારાંજ ક્યાં નથી ? નિ:શબ્દમાંથી જન્મતો શબ્દ આખરે નિ:શબ્દમાં પાછો છોને ભળી જાય ! 
મૌનના વાજિંત્રથી શબ્દોના નાદમાં મારા અસ્તિત્વના રણકારને ભળી જવા દે. પછી ભલે ફરીથી મૌન છવાઈ જાય. મને એ મૌનની દિવ્યતામાં પડી રહેવા દે ! કારણકે એ દિવ્યતામાં જ તારું અસ્તિત્વ છે અને ચોતરફ પ્રસરેલું આ તારું મૌન અસ્તિત્વ એ જ મારું ખરું સંગીત છે. 
મને એ મૌનનું સંગીત રેલાવી દેવા દે!

No comments:

Post a Comment