January 04, 2011

મારા જ દુરાગ્રહને વશ થઇને

મારા જ દુરાગ્રહને વશ થઇને, મારી ને ફક્ત મારી જ ખાતર, ઊભી બજારે ભર તડકામાં, જગત આખું જૂએ તેમ; તું જ્યારે મારી ઝુંપડીએ આવી પહોંચ્યો ત્યારે ઓ પ્રિયતમ ! આ જગતના લોકોએ તને છેક જ અવગણ્યો ! કોઈએ કહ્યું બહૂરૂપિયો આવ્યો તો કોઈએ ભિક્ષુક ગણી ધૂત્કાર્યો. ઓ આંધળાઓ ! આ જગતનો નાથ છે તમે ઓળખો છો કે ? એવી મારી ચીસ કોઈ ઊંડાં કૂવામાં પડઘાતા દ્વનીની જેમ છેક જ નિરર્થક નીવડી. જેની એક ઝલક ઝંખતા તમે જન્મ જન્માન્તરથી ભટકી રહ્યા છો એ આજ તમારે આંગણે સામે ચાલીને આવીને ઊભો છે ને તમને ફૂરસદ નથી ? ઓ હતભાગઓ ! જેને પામવા તમે માનવ દેહ ધારણ કર્યો તે તમારી સામે છે ને તમે મૂઢ બધિર બની તેને નિહાળવા સુધ્ધા તૈયાર નથી ? ભારે હૈયે તને અંદર લઈ મેં ઝુંપડીનું કમાડ ભીડી દીધું. કહે છે શુધ્ધસૂવર્ણના અલંકારો નથી બનતા ! ઓ પ્રિયતમ ! આ જગત પર તે દિવસે મને ખરેખર દયા આવી હતી હો !

No comments:

Post a Comment