રચના 76

મારા દિલના દરબારમાં એક વાર પધારજે તું નાથ ! અહી તારા રાજ દરબાર જેવો વૈભવ નથી. ને વળી ઐશ્વર્ય પણ નથી તેવું. અહી લાગણીની ભીનાશ છે. ને ઊર્મી નો ઉજાસ છે. તારા પ્રગાઢ સાનિધ્ય થી જન્મેલા નિઃશ્વાસની ઉષ્મા છે. તથા તારી પ્રત્યેના પ્રેમના ખીલવાનો પમરાટ છે. દેવતાઓની ભીડથી દૂર આત્માની હૂફમાં મારા ઋદયના સિંહાસન પર બિરાજી તો જો ! મારું રોમ રોમ પુલકિત થઈને તારી જ માટે નર્તન કરશે. શ્વાસોની સીતારી બજાવતુ ઋદય ધક ધક કરતુ મૃદંગ વગાડશે. ને આંખો અશ્રુ થકી તારી જ આરતી ઉતારશે ! સ્વર્ગના સુખ સામે મારા પ્રેમની સાદગીથી તને સ્વર્ગેય ભુલાવી દઈશ હો પ્રિયતમ ! તું એકવાર આવી તો જો !

No comments:

Post a Comment