January 02, 2011

કોઈ નૈતિકતાની વાત કરે છે.

ઓ પ્રિયતમ ! કોઈ નૈતિકતાની વાત કરે છે. કોઈને વળી અભિલાષા છે કંઇક પામવાની. તો કોઈ કર્તવ્યોની વાત કરે છે.
આ પ્રશ્નોના તાંડવમાં કચરાતુ મારું કુમળુ મન શું કંઈજ ઝંખતું નથી ? શું તેને ઉન્મુક્ત વિચરણની કોઈજ અભિલાષા નથી ? જીવનની પરણતીના સંદર્ભમાં આ પ્રશ્નોનું મૂલ્ય કેટલું ?
ઓ પ્રભુ ! મારા જીવનની પૂણાહુતિ તું જ હોય તો કેવું ?
કારણકે તને છોડીને ઉન્મુક્ત બનીને હું ક્યાં વિચરણ કરવાનો હતો ? ને વળી આ ઘોંઘાટીયા પ્રશ્નોમાં જ જીવન વેડફી નાખવાનું ?
સૌને પોતપોતાના પ્રશ્નો છે...કદાચ યોગ્ય જ હશે ; પરંતુ મારે તો વીણાનો એક ટંકાર જ કાફી છે. તેં મારી માટે વગાડેલી વીણાનો ફક્ત એક જ ટંકાર.
અરે ! મારે ક્યાંય વિચરણ કરવું નથી...જો તે વિચરણ છેલ્લે તારા સુધી પહોંચવાની મથામણ બનવાનું હોય !
નૈતિકતા, માનવતા, અભિલાષાઓ અને કર્તવ્યોના ચક્ર્વ્યુહમાંથી બહાર કાઢી કેવળ તારા જ શરણે લઈ લે નાથ !
તારું સાનિધ્ય જ આ ધધકતી જ્વાળાઓને શાંત કરી મને આપશે ચંદન જેવી શિતળતા. જેની સુગંધથી મારું રોમરોમ પુલકિત થઈ ઊઠશે. અને મને મળશે પૂર્ણ આત્મસંતુષ્ઠિ...એજ હો જીવનની પરણતિ.

No comments:

Post a Comment