રચના 42

ઓ પ્રિયતમ ! તારામાં એવું તો શું છે ? તું જ્યારે મારી ઝૂંપડીમાં પધારે છે ત્યારે તાજા ખિલેલાં ગુલાબની સુગંધથી મારી આખી કાયનાત મહેકી ઊઠે છે. તારા શરીરનાં દિવ્ય ઓજસ અને મુખડાની ભવ્ય કાંતિ સામે મારો ટચૂકડો દીપક ઝંખવાઇ જાય છે. તું બોલે છે તો માનો આકાશવાણી થાય છે. બસ, સાંભળ્યા જ કરીયે. કેટલું મીઠું ! માનો શબ્દે શબ્દે અમૃત ટપકે છે ! તારામાં એવું તો શું ચુંબક છે કે તારું સાનિધ્ય માત્ર મારું સર્વસ્વ હરી લે છે ? તારા સૌંદર્યનું રસપાન કરતા આંખો તો જાણે થાકતી જ નથી ! પીડા, દુઃખો અને વેદનાઓ તો રામ જાણે ક્યાં નાશ પામે છે ! પરમાત્મા માંથી પ્રગટતા આ દિવ્ય આનંદને જ શું પરમાનંદ કહે છે ? તું વ્યક્તિ નથી શક્તિ છે. આત્માઓનો સમુહ...શું તેથી જ તને પરમ આત્મા કહે છે ? તું આવે છે ને મારી ઝૂંપડી નાચી ઊઠે છે. મારું રોમરોમ તારા હાજરીપણાને અનુભવી ધન્ય થઇ જાય છે. તું ક્યારેય અહીંથી ન જાય તો કેવું સારું ? છતાં પેલો નિષ્ઠુર સૂરજ ઊગે જ છે. ને તું મંદિરમાં પાછા ફરવાની તૈયારી કરે છે. રાત્રે પાછાં જલદી આવવાના વચનનાં બદલામાં હું સજળ નેત્રે તને વિદાય આપું છું. તારા જવા છતાં હજુ મારી ઝૂંપડી તારી દિવ્ય સુગંધથી મધમધી રહી છે. અહિંનું એક એક પરમાણું નૃત્ય કરી રહ્યું છે.
તને ખબર છે ? એક માત્ર ઝૂંપડી હોવાના કારણે જગતનાં લોકો અહીં ફરકતા પણ નથી ? તે બિચારાઓને ખબર નથી તું મહાલયોમાં નહિ શુધ્ધઋદયનાં પ્રેમમંદિરમાં પૂજાતો હોય છે !

No comments:

Post a Comment