January 01, 2011

તાજા ખીલેલા પુષ્પોની માળા પહેરાવી

ઓ પ્રિયતમ ! તાજા ખીલેલા પુષ્પોની માળા પહેરાવી, વસ્ત્રાલંકારોથી તને સજાવી જ્યારે હું ધૂપદિપ કરી તારી સામે તને નિહાળતો બેસું છું. ત્યારે તારા આહ્લાદક સૌંદર્યનું રસપાન કરતા કરતા અચાનક આંખોમાં અશ્રુનું ઝૂડં ઊમટી પડે છે. ને હું આંખોને બંધ કરી હૈયાને નીતરી જવા દઉ છું. કારમી ચીસો સાથે ધસી આવતી ભૂતાવળ સમા વિચારો થીજી ગયાં છે. તાજા જ ખીલેલા કમળયુગલ પર મંડરાઈને ગુંજન કરતા ભ્રમરના ગુંજન સમો બ્રમ્હનાદ ગુંજી રહ્યો છે. તારી મૂર્તિ અદ્રષ્ય બની છે. ધુમ્રસેર વહાવતી ધૂપસળીની સૌરભ વાતાવરણને પુલકિત કરી રહી છે. દીપકનું અસ્તિત્વ તેના જ પ્રકાશમાં વિલીન થયુ છે. ત્યાં કેવળ શાંતિ છે. પરમાનંદ છે. મૌન છે. શું આત્મા ને શું પરમાત્મા ! શું પ્રકાશ ને શું અંધકાર ! શું વિષાદ ને શું આનંદ...બધું જ લિન બન્યું છે કેવળ તારા જ અસ્તિત્વમાં. જ્યાં અસ્તિત્વનું જ અસ્તિત્વ ખોવાયું છે ત્યાં અભિવ્યક્તિ પણ ક્યાં બાકી રહે છે ? ખરેખર ઓ પ્રિયતમ ! શૂન્યને શબ્દોમાં કંડારવાનો મારો આ પ્રયત્ન પણ મૃગજળ પી તૃષાને તૃપ્ત કરવા જેટલોજ બાલિશ છે હો !

No comments:

Post a Comment